ડેટા ચોરી / ખાનગી માહિતી લીક: શું તમારો અંગત ડેટા સુરક્ષિત છે?

FEATURED

વિવેક જોષી

7/4/20251 min read

આપણા આ ડિજિટલ યુગમાં સૌ કોઈ હવે સીધા કે આડ કતરી રીતે ઇન્ટરનેટ પર પોતાના ડેટાને પીરસતા આવ્યા છીએ, આપણો મોટાભાગનો ડેટા ઓનલાઈન સંગ્રહિત થાય જ છે પછી તે આપણું નામ, સરનામું, ફોન નંબર, ઈમેલ આઈડી, બેંક વિગતો, આધાર નંબર હોય કે પછી આપણી અંગત તસવીરો અને વીડિયો આ બધુ હંમેશા માટે ક્યાંક ને ક્યાંક સ્ટોર થયેલું રહે છે તેનો ક્યારેય નાશ નહી થાય. તો આ બધી જ માહિતીની સતત સુરક્ષા કરવી આપણા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. પરંતુ, સાયબર અપરાધીઓ હંમેશા આપણા આ ડેટાને ગમેતેમ કરીને ચોરવા અથવા તેનો દુરુપયોગ કરવાના પ્રયાસમાં હોય છે, જેને ડેટા ચોરી (Data Theft) અથવા ખાનગી માહિતી લીક (Privacy Breach) કહેવાય છે. એવું પણ જોવા મળ્યું છે તે વ્યક્તિગત કોઈ દુશ્મનાવટ દ્વારા કરતું હોય અને બસ ઘણી વાર વિકૃત આનંદ માટે પણ , આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.

જો તમે પણ ડેટા ચોરી કે તમારી ખાનગી માહિતી લીક થવાનો શિકાર બન્યા છો, તો ગભરાશો નહીં. ભારત સરકારનું નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (National Cybercrime Reporting Portal - cybercrime.gov.in) તમારી મદદ માટે છે. આ પોર્ટલ પર તમે ઘરે બેઠા જ આવા ગુનાઓની ફરિયાદ નોંધાવી શકો છો.

ખાસ ધ્યાન આપીએ કે ડેટા ચોરી / ખાનગી માહિતી લીક શું છે!!

તમારા માટે આ એક એવી ગંભીર સ્થિતિ છે જ્યાં તમારી જ અંગત અથવા સંવેદનશીલ માહિતી તમારી પરવાનગી વિના અનધિકૃત વ્યક્તિ દ્વારા મેળવવામાં આવે છે તેની કોપી કરવામાં આવે અને પછી ઉપયોગમાં લેવાય અથવા તો જાહેર કરવામાં આવે છે. હવે આ માહિતીનો ઉપયોગ નાણાકીય છેતરપિંડી કરવા,ઓળખની ચોરી Identity Theft કરવા,બ્લેકમેલિંગ કરવા માટે અથવા અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે.

જો આમાં બેદરકારી દાખવવામાં આવે તો પરિણામ અકલ્પનીય પણ મળે છે. કેમ કે તેઓ ઘણી બધી પદ્ધતિ અપનાવે છે એમાં મોટાભાગ ના પ્રયાસો માં બેદરકારી અને જાગૃતિનો અભાવ જ હોય છે.

સમજીએ કે કયા પ્રકારના ડેટા ચોરી / ખાનગી માહિતી લીક થઈ શકે છે!

  • ઓળખની ચોરી (Identity Theft): આ તમારા અંગત દસ્તાવેજો આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ ની માહિતી ચોરી કરીને તેનો દુરુપયોગ કરવો જેમ કે તમારા નામે સિમ કાર્ડ મેળવવું, બેંક ખાતું ખોલાવવું, કે લોન લેવી વગેરે છે .

  • નાણાકીય માહિતીની ચોરી: તમારા ક્રેડિટ કાર્ડ નંબર, ડેબિટ કાર્ડ નંબર, બેંક ખાતાની વિગતો, OTP વગેરે ચોરી કરીને નાણાકીય છેતરપિંડી કરવી તેમનો મુખ્ય હેતુ હોય છે.

  • વ્યક્તિગત માહિતી લીક Personal Data Leak: તમારું નામ, સરનામું, ફોન નંબર, ઈમેલ આઈડી, જન્મતારીખ જેવી માહિતી જાહેર થવી અથવા તેનો દુરુપયોગ થવો આ અત્યંત ખતરનાક બની શકે છે.

  • ફોટા/વીડિયો લીક (Photo/Video Leak): તમારા અંગત ફોટા કે વીડિયો તમારી પરવાનગી વગર ઓનલાઈન શેર કરવા સાથે મોર્ફ કરવા અને બ્લેકમેલ કરી એમની ઈચ્છા પ્રમાણે તમારી પાસે કામ કઢાવવું હોય શકે છે.

  • સિમ સ્વેપ ફ્રોડ SIM Swap Fraud: આમાં તમારા મોબાઈલ નંબરનું ડુપ્લિકેટ સિમ કાર્ડ મેળવીને તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવાનો તેમનો મુખ્ય હેતુ હોય છે અથવા તેના મારફત બીજા લોકો પાસે થી પૈસા લેવા માં આવે છે.

  • ફિશિંગ/સ્પિયર ફિશિંગ Phishing/Spear Phishing: ચોક્કસ પદ્ધતિ થી નકલી ઈમેલ કે મેસેજ દ્વારા તમારી લોગિન વિગતો કે અન્ય સંવેદનશીલ માહિતી મેળવી લેવા માં આવે છે.

  • માલવેર/રેન્સમવેર Malware/Ransomware: તમારા કમ્પ્યુટર કે મોબાઈલમાં વાયરસ/માલવેર દાખલ કરીને ડેટા ચોરવો અથવા તેને એન્ક્રિપ્ટ કરી પૈસાની માંગણી કરવી આ ખુબ જ પ્રચલિત મેથડ છે.

ચાલો ધ્યાન પૂર્વક જોઈએ પર્સનલ ડેટા પ્રોટેક્શન અને પ્રાઈવસી ટિપ્સ: શું કરવું અને શું ન કરવું?

અહિયાં તમારી અંગત માહિતીને સુરક્ષિત રાખવા માટે કેટલાક વ્યવહારુ ઉપાયો આપ્યા છે:

✅ શું કરવું (DOs):

  1. મજબૂત અને યુનિક પાસવર્ડ્સનો ઉપયોગ કરો:

    • તમારા દરેક ઓનલાઈન એકાઉન્ટ ઈમેલ, સોશિયલ મીડિયા, બેંકિંગ, શોપિંગ માટે અલગ-અલગ, મજબૂત પાસવર્ડ્સ બનાવો.

    • પાસવર્ડ ઓછામાં ઓછા ૧૪-૧૬ અક્ષરોનો રાખો, જેમાં નાના-મોટા અક્ષરો, અંકો અને વિશેષ ચિહ્નો ($%#@) નો સમાવેશ થાય.

    • પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરવાનું વિચારો, જે સુરક્ષિત રીતે તમારા પાસવર્ડ્સ યાદ રાખી શકે છે.

  2. ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ઓન કરો:

    • જ્યાં પણ શક્ય હોય ત્યાં તમામ જગ્યા પર ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ઓન કરો. આમાં પાસવર્ડ ઉપરાંત તમારા ફોન પર આવતો OTP, ફિંગરપ્રિન્ટ, કે એપ દ્વારા જનરેટ થતો કોડ જેવા જ બીજા વેરિફિકેશનની ખાસ જરૂર પડે છે. આનાથી તમારું એકાઉન્ટને હેક કરવું તેમના માટે અત્યંત મુશ્કેલ બને છે.

  3. ગોપનીયતા /પ્રાઈવસી સેટિંગ્સને તપાસો અને સાથે અપડેટ કરો:

    • તમારા જે પણ સોશિયલ મીડિયા, મેસેજિંગ એપ્સ અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ્સ હોય તેમાં તમારા પ્રાઈવસી સેટિંગ્સ નિયમિતપણે તપાસો અને તેમને સૌથી સુરક્ષિત સ્તરે અચૂક સેટ કરો.

    • જાણો કે કોણ તમારી પોસ્ટ્સ જોઈ શકે છે, અને કોણ તમને ટેગ કરી શકે છે, તેમજ કઈ માહિતી સાર્વજનિક છે તેને અવશ્ય નિયંત્રિત કરો.

    • તમારા લોકેશન શેરિંગ માઇક્રોફોન અને કેમેરાની પરવાનગીઓ કઈ કઈ એપ્સને આપી છે તે જરૂર થી તપાસો અને જરૂર ન હોય તેને બંધ કરો.દા. ત કોઈ થર્ડ પાર્ટી કેલ્ક્યુલેટર એપ્લિકેશન માં કેમરા અને લોકેશન કે મીડિયા અને કોન્ટેક્ટ ની કે બીજી કોઈ અન્ય પરમીશનની જરૂર હોતી જ નથી. તો સમજી જવું કે અહિયાં થી ડેટા લીક થાય છે.

  4. સોફ્ટવેર અને એપ્સ અપડેટ રાખો:

    • તમારા ડિવાઇસની બધી ઓપરેટિંગ સિસ્ટમ (Windows, macOS, Android, iOS), બ્રાઉઝર્સ, અને તમામ એપ્લિકેશન્સને નિયમિતપણે અપડેટ કરતા રહો. અપડેટ્સમાં ઘણીવાર સુરક્ષા પેચ Security Patches હોય છે જે સુરક્ષા થતી ચૂકને બંધ કરે છે.

  5. જાહેર Wi-Fi પર સાવચેત રહો:

    • તમને કોફી શોપ, એરપોર્ટ, કે મોલમાં મળતા પબ્લિક Wi-Fi નેટવર્ક્સ સામાન્ય રીતે અસુરક્ષિત જ હોય છે. આવા નેટવર્ક્સ પર તમારે ક્યારેય બેંકિંગ, ઓનલાઈન શોપિંગ, કે અન્ય સંવેદનશીલ વ્યવહારો કરવું નહીં. જો અનિવાર્ય હોય, તો ભરોશાપાત્ર VPN વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક નો ઉપયોગ કરો.

  6. ફિશિંગ/વિશિંગ/સ્મિશિંગથી સાવધાન રહો:

    • કોઈ પણ અજાણી લિંક્સ, ઈમેઈલ્સ, SMS, કે ફોન કોલ્સ પર વિશ્વાસ ન કરો. ખાસ કરીને જો તે તમને અંગત માહિતી માંગતા હોય, લોભામણી ઓફર આપતા હોય, કે તાત્કાલિક કાર્યવાહી કરવાનું કહેતા હોય ત્યારે.

    • કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા તેનું URL વેબસાઈટ એડ્રેસ ધ્યાનપૂર્વક તપાસો. દા.ત., https://www.google.com/search?q=google.com ને બદલે https://www.google.com/search?q=googie.com હોય તો સાવધાન થઇ જવું જોઈએ.

  7. એન્ટીવાયરસ અને માલવેર પ્રોટેક્શન:

    • તમારા કમ્પ્યુટર અને મોબાઈલમાં અવશ્ય કોઈ વિશ્વસનીય એન્ટીવાયરસ અને એન્ટી-માલવેર સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરો અને તેને નિયમિતપણે અપડેટ કરતા રહો.

    • તમારા ડિવાઈસને નિયમિતપણે સ્કેન પણ કરતા રહો.

  8. જાણકારી મેળવો અને જાગૃત રહો:

    • નવા સાયબર ફ્રોડ, સ્કેમ્સ અને સુરક્ષા જોખમો વિશે જાણકારી મેળવતા રહો. સાયબર સુરક્ષા સંબંધિત બ્લોગ્સ, ન્યૂઝ અને સરકારી જાગૃતિ અભિયાનો પર ધ્યાન આપો.લોકોએ પણ માહિતી આપતા રહો.

❌ શું ન કરવું (DON'Ts):

  1. બધી જગ્યાએ એક જ પાસવર્ડ ન રાખો:

    • ક્યારેય એક જ પાસવર્ડનો ઉપયોગ બહુવિધ એકાઉન્ટ્સ માટે ન કરો. જો એક એકાઉન્ટ હેક થશે, તો તમારા બધા એકાઉન્ટ્સ જોખમમાં મુકાઈ જશે.આથી બધા માટે અલગ પાસવર્ડ રાખવા જ હિતાવહ છે.

  2. OTP/PIN ક્યારેય શેર ન કરો:

    • કોઈ પણ વ્યક્તિ, ભલે તે બેંક, સરકારી સંસ્થા, કે જાણીતી કંપનીનો કર્મચારી હોવાનો દાવો કરે પણ તેને તમારો OTP, PIN, કે પાસવર્ડ ક્યારેય શેર ન કરો. કેમકે બેંકો કે અન્ય સંસ્થાઓ ક્યારેય ફોન કે મેસેજ પર આ બધી વિગતો માંગતી જ નથી.

  3. વ્યક્તિગત માહિતી સાર્વજનિક ન કરો:

    • તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, બેંક ખાતાની વિગતો, કે જન્મતારીખ જેવી સંવેદનશીલ અંગત માહિતી સોશિયલ મીડિયા પર કે કોઈ અન્ય જાહેર પ્લેટફોર્મ પર ક્યારેય શેર ન કરો.

    • તેમજ ક્યારેય કોઈ અજાણ્યા લોકોને તમારા અંગત ફોટા કે વીડિયો ન મોકલો.

  4. અજાણી USB ડિવાઈસ/ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ ન કરો:

    • અજાણી USB ડ્રાઈવ્સ કે પબ્લિક ચાર્જિંગ પોર્ટ્સ જેમ કે બસ ,ટ્રેન ,એરપોર્ટ, હોટલ , રેસ્ટોરન્ટ , સર્વિસ સ્ટેશન વગેરે નો ઉપયોગ ટાળો,કારણ કે તેમાં માલવેર હોઈ શકે છે જેને "જ્યુસ જૈકિંગ" કહેવાય છે. આ એક પ્રકાર નું હેકિંગ છે.

  5. બિનજરૂરી પરવાનગીઓ ન આપો:

    • એપ્સ ઇન્સ્ટોલ કરતી વખતે, તેમને બિનજરૂરી પરવાનગીઓ જેમ કે લોકેશન, કોન્ટેક્ટ્સ, માઇક્રોફોન ન આપો. ફક્ત તે જ પરવાનગીઓ આપો જે એપ્સના કાર્ય માટે ખરેખર જરૂરી હોય તો જ અન્યથા નહી.

  6. લાંબા સમય સુધી લોગિન ન રહો:

    • ખાસ કરીને જાહેર કમ્પ્યુટર પર કે એવા ડિવાઈસ પર જ્યાં અન્ય લોકોની પહોંચ હોય ત્યાં ઓનલાઈન એકાઉન્ટ્સમાં લોગિન કરીને ન છોડી દો. કામ પૂરું થાય એટલે તરત જ લોગઆઉટ કરો,આ ચૂકવું નહીં.

  7. સાયબર ક્રાઈમનો ભોગ બન્યા પછી શરમ ન અનુભવો:

    • જો તમે સાયબર ક્રાઈમનો ભોગ બનો છો, તો શરમ અનુભવીને તેને છુપાવશો નહીં. માણસ માત્ર બહુ ને પાત્ર આ વાત જાણો અને તરત જ તેની જાણ કરો, કારણ કે સમયસરની ફરિયાદ તમને ઘણા બધા નુકસાનમાંથી બહાર આવવામાં મદદ કરી શકે છે.

જો તમને તમારા ડેટાના દુરુપયોગની શંકા હોય તો શું કરવું?

  • પાસવર્ડ બદલો: તરત જ તમારા શંકાસ્પદ એકાઉન્ટ્સના પાસવર્ડ બદલી નાખો.

  • ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરો: જો ઓન હોય તો તરત જ 2FA સેટ કરો.

  • સક્રિય પ્રવૃત્તિ તપાસો: તમારા બેંક ખાતા, ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ, અને ઓનલાઈન એકાઉન્ટ્સની પ્રવૃત્તિ નિયમિતપણે તપાસો.અને તેના માટે જાગૃત રહો.

  • ક્રેડિટ બ્યુરોને જાણ કરો: જો ઓળખની ચોરીની શંકા હોય, તો ક્રેડિટ બ્યુરો જેમ કે CIBIL ને જાણ કરો જેથી તમારા નામે કોઈ પણ નવા ક્રેડિટ કાર્ડ કે લોન ઇશ્યૂ ન થાય.

    ઘણી વાર કાળજી રાખ્યા પછી પણ કઈ અનિચ્છનીય બનાવ બને તો શું કરવું ?
    સ્વાભાવિક છે કે ફરિયાદ જ કરવી પડે!!.

તો જાણીએ ફરિયાદ નોંધાવવા માટે શું જોઈએ?

ફરિયાદ નોંધાવતા પહેલા આટલી માહિતી અને કાગળ તૈયાર રાખો:

  • ઘટનાની તારીખ અને સમય: ડેટા ચોરી કે લીક ક્યારે બન્યું તેની ચોક્કસ માહિતી.

  • કઈ માહિતી લીક થઈ: (જેમ કે આધાર નંબર, બેંક વિગતો, ફોટા, ઈમેલ).

  • કયા પ્લેટફોર્મ/પદ્ધતિ દ્વારા લીક થઈ: (જેમ કે કોઈ વેબસાઈટ, એપ, ઈમેલ, અજાણ્યો કોલ/મેસેજ, હેક થયેલું ડિવાઈસ).

  • ચોરી કરનારની વિગતો (જો ઉપલબ્ધ હોય): ઈમેલ આઈડી, ફોન નંબર, વેબસાઈટ લિંક વગેરે.

  • પુરાવા:

    • જે જગ્યાએ તમારી માહિતી લીક થયેલી દેખાય તેના સ્ક્રીનશોટ.

    • કોઈ શંકાસ્પદ મેસેજ, ઈમેલ કે કોલનું રેકોર્ડિંગ (જો હોય તો).

    • સંબંધિત વેબસાઈટ કે એપની લિંક.

    • કોઈપણ સંબંધિત ટ્રાન્ઝેક્શન વિગતો જો નાણાકીય નુકસાન થયું હોય.

  • તમારી અંગત વિગતો: નામ, સરનામું, સંપર્ક નંબર, ઈમેલ આઈડી.

નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ડેટા ચોરી / ખાનગી માહિતી લીકની ફરિયાદ કેવી રીતે નોંધાવવી? તબક્કાવાર માર્ગદર્શન લઈએ ચાલો!!

તબક્કો ૧: પોર્ટલ પર જાઓ

  • સૌ પ્રથમ, તમારા બ્રાઉઝરમાં www.cybercrime.gov.in વેબસાઇટ ખોલો.

  • હોમપેજ પર તમને "File a Complaint" અથવા "शिकायत दर्ज करें" નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.

તબક્કો ૨: પોર્ટલ પરની શરતો સ્વીકારો અને આગળ વધો

  • ઉપયોગની શરતો Terms and Conditions વાંચો અને "I Accept" હું સ્વીકારું છું પર ક્લિક કરીને "Submit" અથવા "Proceed" કરો.

તબક્કો ૩: તમારી ફરિયાદનો પ્રકાર પસંદ કરો

  • હવે તમને "Report Cyber Crime" અને "Report Other Cyber Crime" વિકલ્પો દેખાશે.

  • ડેટા ચોરી / ખાનગી માહિતી લીક સંબંધિત ગુનાઓ માટે "Report Cyber Crime" પર ક્લિક કરો.

તબક્કો ૪: નાગરિક તરીકે લોગિન (Citizen Login)

  • જો તમે પહેલીવાર ફરિયાદ કરી રહ્યા છો, તો "New User? Click Here to Register" પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરો.

    • તમારું રાજ્ય, યુઝરનેમ (સામાન્ય રીતે મોબાઈલ નંબર), ઈમેલ આઈડી દાખલ કરો.

    • મોબાઈલ પર આવેલો OTP દાખલ કરીને રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.

    • હવે તમારા મોબાઈલ નંબર અને OTP/પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.

  • જો તમે પહેલાથી રજીસ્ટર થયેલા છો, તો સીધા લોગિન કરો.

તબક્કો ૫: ઘટનાની વિગતો દાખલ કરો Incident Details.

  • લોગિન કર્યા પછી, "Incident Details" ફોર્મમાં નીચે મુજબની વિગતો ભરો:

    • "Category of Complaint": અહીં "Data Theft/Privacy Breach", "Identity Theft", "SIM Swap Fraud", "Phishing", "Ransomware" અથવા સંબંધિત વિકલ્પ પસંદ કરો.

    • "Date and Time of Incident": ગુનો કઈ તારીખે અને કયા સમયે બન્યો તે દાખલ કરો.

    • "Platform Used for Crime": ડેટા લીક કયા પ્લેટફોર્મ દ્વારા થયું (દા.ત., Website, Mobile App, Email, Call, SMS).

    • "URL/Link": જો કોઈ વેબસાઈટ કે લિંક દ્વારા ડેટા લીક થયો હોય, તો તેની URL લિંક દાખલ કરો.

    • "Type of Data Compromised": કયા પ્રકારનો ડેટા ચોરાયો/લીક થયો (દા.ત., Aadhaar No., PAN No., Bank Account Details, Photos, Videos, Personal Information).

    • "Brief description of incident": ઘટનાનું ટૂંકું અને સ્પષ્ટ વર્ણન કરો. શું બન્યું, કેવી રીતે બન્યું, અને તેનાથી તમને શું અસર થઈ તેની વિગતો આપો.

  • બધી વિગતો ભર્યા પછી, "Save and Next" પર ક્લિક કરો.

તબક્કો ૬: શંકાસ્પદ વ્યક્તિની વિગતો Suspect Details - જો હોય તો

  • જો તમારી પાસે ગુનો કરનાર વ્યક્તિ કે સંસ્થા વિશે કોઈ વિગત હોય (જેમ કે નામ, ઈમેલ આઈડી, ફોન નંબર), તો તે અહીં દાખલ કરો. જો ન હોય તો આ ભાગ છોડી શકો છો.

  • "Save and Next" પર ક્લિક કરો.

તબક્કો ૭: ભોગ બનનાર વ્યક્તિની વિગતો Victim Details.

  • આ વિભાગમાં તમારી અંગત વિગતો દાખલ કરો: પૂરું નામ, સરનામું, સંપર્ક માહિતી વગેરે.

  • "Save and Next" પર ક્લિક કરો.

તબક્કો ૮: પુરાવા અપલોડ કરો -Upload Evidence.

  • આ સૌથી મહત્વપૂર્ણ સ્ટેપ છે. તમારી પાસે જે પણ પુરાવા હોય, તે અહીં અપલોડ કરો:

    • જ્યાં તમારી માહિતી લીક થયેલી દેખાય તેના સ્ક્રીનશોટ (વેબસાઈટ, મેસેજ, ઈમેલ).

    • કોઈ શંકાસ્પદ મેસેજ, ઈમેલ કે કોલનું રેકોર્ડિંગ (જો હોય તો).

    • સંબંધિત વેબસાઈટ કે એપની લિંક.

    • કોઈપણ નાણાકીય નુકસાનના પુરાવા (બૅન્ક સ્ટેટમેન્ટ).

    • આ પુરાવા ભવિષ્યમાં તપાસ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે.

  • "Save and Next" પર ક્લિક કરો.

તબક્કો ૯: વિગતોની સમીક્ષા અને કન્ફર્મ કરો (Review and Confirm)

  • તમે દાખલ કરેલી બધી વિગતોની ફરી એકવાર સમીક્ષા કરો.

  • બધી માહિતી સાચી હોય તો "Confirm & Submit" પર ક્લિક કરો.

તબક્કો ૧૦: ફરિયાદ સબમિટ અને Acknowledgment નંબર મેળવો

  • ફરિયાદ સફળતાપૂર્વક સબમિટ થયા પછી, તમને એક Acknowledgment Number (ફરિયાદ નંબર) મળશે.

  • આ નંબરને સાચવીને રાખો. તમે આ નંબરનો ઉપયોગ કરીને તમારી ફરિયાદનો સ્ટેટસ ચેક કરી શકો છો.

  • તમને તમારી ફરિયાદની PDF કોપી ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ મળશે. તેને પણ સાચવી રાખો.અને એક પ્રિન્ટ કરી રાખો.

ખાસ યાદ રાખો, સાયબર અપરાધીઓ હંમેશા નવા રસ્તાઓ શોધતા રહે છે. તમારી જાગૃતિ જ તમને આવા ફ્રોડથી બચાવી શકે છે. જો તમે ડેટા ચોરી કે ખાનગી માહિતી લીક થવાનો ભોગ બનો છો, તો હિચકિચાશો નહીં, તરત જ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ કરો અથવા હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફોન કરો. તેમજ લોકો સુધી આ માહિતી જરૂર થી શેર કરશો.

#ડેટાચોરી #ખાનગીમાહિતી #સાયબરક્રાઈમ #ડેટાસુરક્ષા #PrivacyLeak #DataTheft #CyberSafety

સંબંધિત પોસ્ટ