ઓનલાઈન રેપ્યુટેશન મેનેજમેન્ટ (ORM) અને સાયબરબુલિંગ સામે રક્ષણ: તમારી ડિજિટલ છબીનું નિર્માણ અને સુરક્ષા!

FEATURED

6/17/20251 min read

કદાચ તમે ઘણા સમય થી ડિજિટલ જગત માં હશો પણ તમે ઓનલાઈન રેપ્યુટેશન મેનેજમેન્ટ એટલે કે Online Reputation Management - ORM અને સાયબરબુલિંગ અંગે ભાગ્યે જ વિચાર્યું હશે આ બંને સામે રક્ષણ માટે પણ તો આ બંને અત્યંત મહત્વપૂર્ણ અને આજકાલના સમયમાં ખૂબ જ પ્રચલિત એવા વિષયો છે. જેના પર આપણે હજુ સુધી ચર્ચા કરી નથી. આજના ડિજિટલ યુગમાં, આપણી ઓનલાઈન છબી અને સુરક્ષાનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.

ચાલો, આ મુદ્દાઓ પર વિગતવાર માહિતી મેળવીએ અને સમજીએ કે આપણે આપણી ઓનલાઈન પ્રતિષ્ઠાને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ અને સાયબરબુલિંગનો સામનો કેવી રીતે કરી શકીએ.

આજના ડિજિટલ યુગમાં, આપણી ઓનલાઈન પ્રતિષ્ઠા (Online Reputation) એ આપણી વાસ્તવિક જીવનની પ્રતિષ્ઠા જેટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે. તમે સોશિયલ મીડિયા પર શું પોસ્ટ કરો છો, અન્ય લોકો તમારા વિશે શું કહે છે, કે સર્ચ એન્જિનમાં તમારું નામ શોધવાથી શું પરિણામો આવે છે – આ બધું તમારી ઓનલાઈન છબી બનાવે છે. આ ઉપરાંત, સાયબરબુલિંગ (ઇન્ટરનેટ પર થતી હેરાનગતિ/ધમકી) નો સામનો કરવો પણ એક ગંભીર પડકાર છે. આ બંને મુદ્દાઓને સમજવા અને તેનું સંચાલન કરવું એ વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન બંને માટે નિર્ણાયક છે.

પણ આ ઓનલાઈન રેપ્યુટેશન મેનેજમેન્ટ (ORM) શું છે?

ચાલો સમજીએ ઓનલાઈન રેપ્યુટેશન મેનેજમેન્ટ (ORM) એટલે કે તમારી ડિજિટલ છબીનું સક્રિયપણે સંચાલન અને દેખરેખ રાખવી. આમાં ઓનલાઈન તમારા વિશે શું કહેવાય છે, શું દેખાય છે અને તમે પોતે શું પ્રસ્તુત કરો છો તેનું નિયંત્રણ કરવાનો આ બધી બાબતનો સમાવેશ થાય છે. ORM ફક્ત વ્યવસાયો માટે જ નથી, પરંતુ દરેક સામાન્ય વ્યક્તિઓ માટે પણ એટલું જ મહત્વનું છે.

ORM કેમ અને શા માટે જરૂરી છે?

  • વ્યક્તિગત બ્રાન્ડિંગ: સારી ઓનલાઈન પ્રતિષ્ઠા નોકરીની તકો, વ્યવસાયિક સંબંધો અને લોકો દ્વારા સામાજિક સ્વીકૃતિમાં મદદ કરી શકે છે.

  • વિશ્વાસ અને વિશ્વસનીયતા: લોકો કોઈ વ્યક્તિ કે વ્યવસાય વિશે જાણવા માટે ઓનલાઈન સર્ચ કરે છે. સકારાત્મક ઓનલાઈન છબી વિશ્વાસનું નિર્માણ કરે છે.

  • નકારાત્મકતાનો સામનો: ઓનલાઈન નકારાત્મક ટિપ્પણીઓ, ખોટી માહિતી કે બદનક્ષી તમારી છબીને નુકસાન પહોંચાડી શકે છે. ORM તમને તેનો સામનો કરવામાં મદદ કરે છે.

ORM માટેના તમારે મુખ્ય આ જરૂરી પગલાં લેવા જોઈએ :

  • તમારી ઓનલાઈન હાજરીનું મોનિટરિંગ:

    • તમારું નામ, તમારા વ્યવસાયનું નામ, કે તમારાથી સંબંધિત કીવર્ડ્સ ગૂગલ, સોશિયલ મીડિયા, અને અન્ય પ્લેટફોર્મ પર નિયમિતપણે સર્ચ કરો.

    • Google Alerts જેવી સેવાઓનો ઉપયોગ કરો જેથી તમારા નામનો ઉલ્લેખ થાય ત્યારે તમને જાણ થાય.

  • સકારાત્મક સામગ્રીનું નિર્માણ:

    • તમારી કુશળતા, રુચિઓ, અને હકારાત્મક કાર્યો વિશે બ્લોગ્સ લખો, સોશિયલ મીડિયા પર શક્ય એટલું સક્રિય રહો, અને LinkedIn જેવી પ્રોફેશનલ સાઇટ્સ પર અપડેટ રહો.

    • ઉપલબ્ધ સકારાત્મક સામગ્રીને પ્રોત્સાહન આપો, જેથી નકારાત્મક સામગ્રી સર્ચ પરિણામોમાં નીચે ધકેલાઈ જાય.

  • નકારાત્મક સામગ્રીનો સામનો:

    • પ્રતિસાદ આપો: જો કોઈ નકારાત્મક ટિપ્પણી કે સમીક્ષા હોય, તો શાંતિથી અને વ્યાવસાયિક રીતે તેનો પ્રતિસાદ આપો.સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો.

    • દૂર કરવાનો પ્રયાસ કરો: જો સામગ્રી ખોટી, અપમાનજનક, કે બદનક્ષીભરી હોય, તો સંબંધિત પ્લેટફોર્મને તેનો રિપોર્ટ કરો અને તેને દૂર કરવા વિનંતી કરો.

    • કાયદાકીય સલાહ: જો પરિસ્થિતિ ગંભીર હોય (જેમ કે બદનક્ષી), તો કાયદાકીય સલાહ લો. ભારતમાં માહિતી ટેકનોલોજી અધિનિયમ, ૨૦૦૦ (IT Act, 2000) હેઠળ આવા ગુનાઓ માટે જોગવાઈઓ છે. ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ ૪૯૯ અને ૫૦૦ બદનક્ષીને લગતી છે.

    • BNS - ભારતીય ન્યાય સંહિતા:  2023 પ્રમાણે  કલમ 356 અને 222ની કલમ બદનક્ષીને લગતી છે.

  • ગોપનીયતા / પ્રાઈવસી સેટિંગ્સનું સંચાલન:

    • તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રાઈવસી સેટિંગ્સને કડક/સ્ટ્રોંગ રાખો. તમારી અંગત માહિતી કોણ જોઈ શકે છે તે નિયંત્રિત કરી રાખો.

  • વ્યવસાયિક/ પ્રોફેશનલ ઇમેજ જાળવો:

    • ઓનલાઈન પોસ્ટ કરતા પહેલા બે વાર વિચારો. તમારી પોસ્ટ, ફોટા, કે વીડિયો ભવિષ્યમાં તમને કેવી રીતે અસર કરશે તે બાબત ધ્યાનમાં લો.

    • પ્રોફેશનલ એકાઉન્ટ્સ અને અંગત એકાઉન્ટ્સ વચ્ચે સ્પષ્ટ તફાવત રાખો અને તે અંગે જાણકારી રાખો. 

સાયબરબુલિંગ સામે રક્ષણ: ધમકીઓનો સામનો કેવી રીતે કરવો? તે સમજીએ .

સાયબરબુલિંગ (Cyberbullying) એટલે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિને ધમકાવવી, હેરાન કરવી, અપમાનિત કરવી, કે ડરાવવી. અને તેમના ઈચ્છા મુજબ કે ઈરાદા પ્રમાણેના કામ કરાવવા. આમાં અપમાનજનક મેસેજ મોકલવા, ખોટી અફવાઓ ફેલાવવી, વ્યક્તિગત માહિતી શેર કરવી, નકલી પ્રોફાઇલ બનાવવી, કે ફોટા/વીડિયોને મોર્ફ કરીને અપલોડ કરવા જેવી નકારાત્મક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

યાદ રાખો : સાયબરબુલિંગનો ભોગ બનો ત્યારે શું કરવું?

  • પ્રતિસાદ ન આપો (Do NOT Respond):

    • આપનો પ્રતિસાદ આપવાથી તેમને પ્રોત્સાહન મળે છે. શાંત રહો અને તરત કોઈ પ્રતિક્રિયાન આપો. રસ્તા શોધો કે સમસ્યા સામે શું જરૂરી પગલાં  લેવા. 

  • પુરાવા એકત્રિત કરો (Collect Evidence):

    • તમને કરેલ બુલિંગના તમામ મેસેજ, ફોટા, વીડિયો, પોસ્ટ, ઈમેલ વગેરેના સ્ક્રીનશોટ લો અને તેને સાચવી રાખો. આ ભવિષ્યમાં કાયદાકીય કાર્યવાહી માટે મહત્વપૂર્ણ પુરાવા બનશે.

  • બ્લોક કરો (Block the Bully):

    • આપને સાયબરબુલિંગ કરનાર વ્યક્તિને શક્ય તમામ પ્લેટફોર્મ પરથી બ્લોક કરી દો.

  • રિપોર્ટ કરો (Report to the Platform):

    • જે પ્લેટફોર્મ પર બુલિંગ થઈ રહ્યું છે જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વિટર, તેના રિપોર્ટિંગ ટૂલ્સનો ઉપયોગ કરીને ફરિયાદ કરો. આમાંથી મોટાભાગના પ્લેટફોર્મ્સ સાયબરબુલિંગને ગંભીરતાથી લે છે અને આવી સામગ્રી દૂર કરે છે. અને સાથ સહકાર આપવાનો પૂરો પ્રયત્ન કરે છે.

  • વિશ્વસનીય વ્યક્તિ સાથે વાત કરો -Talk to Someone You Trust:

    • તમારા માતા-પિતા, મિત્રો, શિક્ષક, માર્ગદર્શક, કે અન્ય કોઈ વિશ્વસનીય વ્યક્તિ સાથે તમારી સમસ્યા શેર કરો. માનસિક ટેકો અને સલાહ મેળવવી ખૂબ જ જરૂરી છે.બેદરકારી રાખવી નહીં અને નિરાશ ન થવું.

  • આ અંગે સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ કરો -File a Complaint:

    • સાયબરબુલિંગ ગંભીર હોય છે, જેમાં ધમકીઓ, બદનક્ષી, કે નાણાકીય છેતરપિંડીનો સમાવેશ થતો હોય છે, તો તમે તાત્કાલિક ભારત સરકારના નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (National Cybercrime Reporting Portal - cybercrime.gov.in) પર ફરિયાદ નોંધાવો અથવા ૧૯૩૦ હેલ્પલાઇન પર ફોન કરો. ગભરવાની કે ડરવા ની જરૂર નથી.

    • આ ઉપરાંત, તમે તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી શકો છો.

સાયબરબુલિંગ સામે આપણાં ભારતમાં કાયદાકીય જોગવાઈઓ:

  • માહિતી ટેકનોલોજી અધિનિયમ, ૨૦૦૦ (IT Act, 2000):

    • કલમ ૬૬A (રદ): અગાઉ આ કલમ અપમાનજનક ઓનલાઈન કન્ટેન્ટ માટે હતી, પરંતુ હાલમાં તેને રદ કરવામાં આવી છે.

    • કલમ ૬૭: ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરવા કે પ્રસારિત કરવા માટેની સજા અંગે. 

    • કલમ ૬૬E: ગોપનીયતાનો/ પ્રાઈવસી ભંગ (Violation of Privacy) – તમારી પરવાનગી વિના ખાનગી બાબતોને જાહેર કે કોઈ પણ જગ્યાએ પ્રકાશિત/ અપલોડ કરવી.

    • કલમ ૬૭A: જાતીય સ્પષ્ટતાવાળી સામગ્રી પ્રકાશિત કરવી.

  • ભારતીય દંડ સંહિતા (IPC):

    • કલમ ૫૦૭: અનામી સંદેશાવ્યવહાર દ્વારા ગુનાહિત ધમકી (Criminal Intimidation by Anonymous Communication).

    • કલમ ૫૦૯: સ્ત્રીની નમ્રતાનું અપમાન (Insulting the Modesty of a Woman) - શબ્દો, હાવભાવ કે કૃત્ય દ્વારા.

    • કલમ ૪૯૯ અને ૫૦૦: બદનક્ષી (Defamation).

  • ભારતીય ન્યાય સંહિતા BNS 2023: 

    • કલમ 356: બદનક્ષીની/Defamation વ્યાખ્યા આપે છે: જે કે કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે લખાણ લખ્યા હોય, તેવા શબ્દો, કોઈપણ સંકેતો કે ચિહ્નો દ્વારા ઈરાદાપૂર્વક અથવા જાણીને અપમાનજનક વાત કરવી વગેરે. 

    • કલમ 222:બદનક્ષી સંબંધિત ફરિયાદ કેવી રીતે દાખલ કરવી, તેનો કોને અધિકાર છે, અને તે કઈ કોર્ટમાં કેસ ચાલે તે માટેની પ્રક્રિયા દર્શાવે છે. 

  • પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (POCSO) Act, ૨૦૧૨: બાળકોને લગતા સાયબરબુલિંગ કે જાતીય સતામણીના કેસોમાં આ કાયદો લાગુ પડે છે.

ઓનલાઈન રેપ્યુટેશન અને સાયબરબુલિંગથી બચવા માટેની સામાન્ય ટિપ્સ:

  • ઓછામાં ઓછી માહિતી શેર કરો: સોશિયલ મીડિયા પર તમારી અંગત માહિતી ખાસ સરનામું, ફોન નંબર, કે જન્મતારીખ ને શેર કરવાનું ટાળો.

  • સ્ટ્રોંગ પાસવર્ડ્સ: હંમેશા મજબૂત અને યુનિક પાસવર્ડ્સનો ઉપયોગ કરો અને ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન સક્ષમ રાખો.

  • કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા બે વાર વિચારો: અજાણ્યા સ્રોતમાંથી આવેલી શંકાસ્પદ લિંક્સ, ઈમેઈલ્સ કે મેસેજ પર ક્યારેય ક્લિક ન કરો.

  • અજાણ્યા લોકોની મિત્રતા/રિકવેસ્ટ સ્વીકારશો નહીં: ફક્ત એવા લોકો સાથે જ કનેક્ટ થાઓ જેને તમે ઓળખો છો અને તેનો વિશ્વાસ કરો છો.

  • પોસ્ટ કરતા પહેલા વિચારો: કંઈપણ પોસ્ટ કરતા પહેલા, વિચારો કે તે તમારી ભવિષ્યની ઇમેજને કેવી રીતે અસર કરી શકે છે.

  • તમારા બાળકો સાથે વાત કરો: જો તમે માતા-પિતા હો, તો તમારા બાળકો સાથે સાયબરબુલિંગ વિશે ખુલીને વાત કરો અને તેમને સુરક્ષિત રહેવાનું શીખવો.

ખાસ યાદ રાખો: તમારી ઓનલાઈન પ્રતિષ્ઠાને સુરક્ષિત રાખવી અને સાયબરબુલિંગનો સામનો કરવો એ તમારી સક્રિય ભાગીદારી અને જાગૃતિ માંગે છે. ગભરાશો નહીં, મદદ માટે હંમેશા ઉપલબ્ધ સાધનો અને કાયદાકીય જોગવાઈઓનો ઉપયોગ કરો. આ માહિતી વધુ લોકો સુધી શેર કરો.  

#ડિજિટલછબી #ઓનલાઈનરેપ્યુટેશન #સાયબરબુલિંગ #ઓનલાઈનસુરક્ષા #DigitalReputation #ORM #CyberSafety #desicyberseva

સંબંધિત પોસ્ટ