
રેન્સમવેર / માલવેર હુમલા: શું તમારો ડેટા કીડનેપરનો બંધક બન્યો છે? સાયબર ક્રાઈમ પોર્ટલ પર તરત ફરિયાદ નોંધાવો!(Ransomware/Malware Attacks)



કોરોના મહામારી પછી લોકોને માટે વાઇરસ શબ્દ હવે અજાણ્યો નથી,આપણાં આ ડિજિટલ યુગમાં પણ વાઇરસ એટલો જ શ્રાપની જેમ પ્રકોપ વાર્તાવે છે. આપણા કમ્પ્યુટર્સ, મોબાઈલ ફોન અને અન્ય ડિજિટલ ડિવાઈસીસ આપણા અંગત અને વ્યાવસાયિક ડેટાના ખજાના છે. પરંતુ, આપણાં આ ડિજિટલ વિશ્વમાં રેન્સમવેર-Ransomware એટલકે ખંડણી અને માલવેર Malware ખરાબ ઈરાદા વારા જેવા ખતરનાક વાયરસ પણ એટલા જ સક્રિય છે, જે તમારા ડિવાઈસ અને ડેટાને બંધક બનાવી શકે છે અને તમારી પાસેથી પૈસા - ખંડણીની માંગણી કરી શકે છે.
આજ ના આ બ્લોગ માં આપણે તેના વિશે થોડી જ ટેકનિકલ વાત કરીશું પણ સરળ ભાષામાં!!
અને હા ..!! જો તમે પણ રેન્સમવેર કે માલવેર હુમલાનો શિકાર બન્યા છો, તો ગભરાશો નહીં. ભારત સરકારનું નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (National Cybercrime Reporting Portal - cybercrime.gov.in) તમારી મદદ માટે છે. આ પોર્ટલ પર તમે ઘરે બેઠા જ આવા ગુનાઓની ફરિયાદ નોંધાવી શકો છો.

થોડું ડિજિટલ છે પણ સમજવું જરૂરી છે કે રેન્સમવેર / માલવેર હુમલા શું છે?
સંક્રમણ કારી માલવેર Malware: "મલિશિયસ સોફ્ટવેર" નું ટૂંકું રૂપ છે. આ એક એવો ખતરનાક સોફ્ટવેર છે જે તમારા કમ્પ્યુટર, મોબાઈલ કે નેટવર્કમાં ઘૂસીને તેને નુકસાન પહોંચાડી શકે છે, માહિતી ચોરી કરી શકે છે, કે તમારા ડિવાઈસ પર અનધિકૃત નિયંત્રણ મેળવી શકે છે. વાયરસ, વોર્મ્સ, ટ્રોજન હોર્સ, સ્પાયવેર આ બધા માલવેરના પ્રકાર છે. તે કોઈ પણ પ્રકારની ચિપ હોય જે ડિજિટલ પ્રોગ્રામ દ્વારા ચાલતી હોય તેને સંક્રમિત કરી નાખે છે.
રેન્સમવેર Ransomware: માલવેરનો એક ખાસ પ્રકાર છે. જ્યારે રેન્સમવેર તમારા ડિવાઈસ પર હુમલો કરે છે, ત્યારે તે તમારી ફાઈલોને એન્ક્રિપ્ટ એટલે કે કોઈપણ વાંચી જ ન શકે તેવા કોડમાં કે ભાષામાં ફેરવી નાખે છે, જેથી તમે તેને ખોલી કે વાપરી કે વાંચી પણ શકતા નથી. પછી ગુનેગારો તમારી ફાઈલોને ડિક્રિપ્ટ એટલે કે ફરી થી જે મુળ સ્થતિમાં કરવા માટે ખંડણી પૈસાની માંગણી કરે છે, જે સામાન્ય રીતે ક્રિપ્ટોકરન્સીમાં જેમ કે બિટકોઈન ચૂકવવાનું કહે છે. જેથી તેમનું લોકેશન ના મળે અને તે વિશ્વના કોઈ પણ ખૂણે થી બેસી આ હુમલા કરે.
તેઓ કયા પ્રકારના રેન્સમવેર / માલવેર હુમલા કરી શકે છે!! આવો સમજીએ..!!
આમ તો આપ જૂના બ્લૉગ્સ નિયમિત વાંચતાં હશો , પરંતુ ફરી થી આપણે આ બાબત ને ધ્યાન માં અચૂક લઈએ
ફિશિંગ ઈમેઈલ્સ/લિંક્સ: શંકાસ્પદ ઈમેઈલ્સ કે મેસેજમાં વાયરસ ધરાવતી લિંક્સ કે એટેચમેન્ટ્સ મોકલવા.
ડિવાઈસ હેકિંગ: સુરક્ષા નબળાઈઓનો લાભ લઈને સીધા તમારા કમ્પ્યુટર કે નેટવર્કમાં ઘૂસી જવું.
પાઈરેટેડ સોફ્ટવેર: ગેરકાયદેસર અને મફતમાં મળતા સોફ્ટવેર કે ફિલ્મો ડાઉનલોડ કરવાથી તેમાં માલવેર હોઈ શકે છે.
અજાણી USB ડ્રાઈવ: અજાણી USB ડ્રાઈવ કે હાર્ડ ડ્રાઈવને તમારા કમ્પ્યુટર સાથે જોડવાથી.
રેન્સમવેર / માલવેર હુમલાના સંકેતો કે લક્ષણો :
તમારી ફાઈલો ખોલી ન શકાય અથવા તેમના નામ બદલાઈ ગયા હોય.કઈક વિચિત્રજ ભાષા દેખાય
સ્ક્રીન પર કોઈ મેસેજ દેખાય જે ખંડણી માંગતો હોય.જેમાં ટાઈમર હોય સમય ઘટતો દેખાય.
કમ્પ્યુટર ધીમું પડી જાય, વારંવાર ક્રેશ થાય, કે અનિચ્છનીય પોપ-અપ્સ દેખાય. જેમાં તેમના મેસેજ હોય
તમારી જાણ બહાર કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ ગયું હોય. અને તે બેકગ્રાઉન્ડ માં કામ કરતું હોય.
ચાલો જાણીએ થોડી રેન્સમવેર / માલવેર હુમલાથી બચવા માટેની જાગૃતિ Awareness Tips:
નિયમિત બેકઅપ: તમારા મહત્વપૂર્ણ ડેટાનો નિયમિતપણે બાહ્ય હાર્ડ ડ્રાઈવ કે ક્લાઉડ સ્ટોરેજ પર બેકઅપ લેતા રહો. હુમલો થાય તો પણ તમારો ડેટા સુરક્ષિત રહેશે. તેમનું પણ સાવચેતી થી જોડાણ કરવું.
સોફ્ટવેર અપડેટ્સ: તમારા કમ્પ્યુટરના ઓપરેટિંગ સિસ્ટમ (Windows, macOS), બ્રાઉઝર અને અન્ય સોફ્ટવેરને હંમેશા અપડેટેડ રાખો. આ સુરક્ષાની નબળાઈઓને દૂર કરે છે.
એન્ટિવાયરસ સોફ્ટવેર: તમારા કમ્પ્યુટર/મોબાઈલમાં સારા અને અપડેટેડ એન્ટિવાયરસ/એન્ટિ-માલવેર સોફ્ટવેર નો ઉપયોગ કરો. તેમને નિયમિત સ્કેન કરતા રહો.
નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટ પોર્ટલ પર થી જ સ્કેન અને સિક્યોરીટી માટે ના ટૂલ્સ અંગે માહિતી મળી જશે જેથી ત્યાં એક વાર પોર્ટલની મુલાકાત અવશ્ય કરવી. જે બધા નિ:શુલ્ક છે
શંકાસ્પદ ઈમેઈલ/લિંક્સથી સાવધાન: કોઈપણ અજાણ્યા કે શંકાસ્પદ સ્રોતમાંથી આવતા ઈમેઈલ, મેસેજ, લિંક્સ કે એટેચમેન્ટ્સને ક્યારેય ખોલશો નહીં. તેમની ખરાઈ કર્યા વિના તો ક્લિક જ ન કરો.
પાઈરેટેડ સોફ્ટવેર ટાળો: ગેરકાયદેસર અને મફતમાં મળતા સોફ્ટવેર કે ક્રેક્ડ વર્ઝન ડાઉનલોડ કરવાનું ટાળો, કેમી કે તેમાં માલવેર હોવાની સંભાવના ઘણી વધારે હોય છે.
ફાયરવોલનો ઉપયોગ કરો: તમારા કમ્પ્યુટર પર ફાયરવોલ ચાલુ રાખો, જે અનધિકૃત એક્સેસને રોકવામાં મદદ કરશે.અને તમને સુરક્ષિત કરશે.
જાહેર Wi-Fi પર સાવચેતી: અસુરક્ષિત પબ્લિક Wi-Fi નેટવર્ક પર સંવેદનશીલ વ્યવહારો કરવાનું ટાળો.
બ્લોક કરો અને રિપોર્ટ કરો: જો તમને કોઈ શંકાસ્પદ વેબસાઈટ કે ઈમેઈલ દેખાય, તો તેને બ્લોક કરો અને રિપોર્ટ કરો.
રેન્સમવેરની ખંડણી ક્યારેય ચૂકવશો નહીં. ખંડણી ચૂકવવાથી ગુનેગારોને પ્રોત્સાહન મળે છે અને તેની કોઈ ગેરંટી નથી કે ખાતરી હોતી નથી કે તમારો ડેટા તમને મુળ સ્થિતિમાં પાછો મળશે.
ધ્યાન રાખવા છતાં કોઈ બનાવબને ફરિયાદ નોંધાવવા માટે શું જોઈએ? ચાલો જોઈએ !!
તમારી ફરિયાદ નોંધાવતા પહેલા આટલી માહિતી અને દસ્તાવેજો તૈયાર રાખો:
હુમલાની તારીખ અને સમય: ગુનો ક્યારે બન્યો તેની ચોક્કસ માહિતી.
કયા ડિવાઈસ પર હુમલો થયો: જેમ કે કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, સર્વર.
માલવેર/રેન્સમવેરનો પ્રકાર જો ખબર હોય તો: કયા નામના રેન્સમવેર દ્વારા હુમલો થયો દા.ત., WannaCry, Ryuk, Locky.
માહિતી ચોરવામાં આવી હોય કે લોક થઈ હોય તેની વિગતો: કઈ ફાઈલો/ડેટા અસરગ્રસ્ત થયા.
ખંડણીનો મેસેજ Ransom Note: જો રેન્સમવેરનો હુમલો હોય તો સ્ક્રીન પર દેખાતો ખંડણીનો મેસેજ, તેમાં આપેલી ઈમેઈલ આઈડી કે ક્રિપ્ટોકરન્સી વોલેટ એડ્રેસ વિગેરે.
પુરાવા:
ખંડણીના કે અન્ય માંગણી મેસેજનો સ્ક્રીનશોટ.
જે ઈમેઈલ કે લિંક દ્વારા હુમલો થયો હોય તેનો સ્ક્રીનશોટ કે ઈમેઈલ હેડર.
સિસ્ટમ લોગ ફાઈલ્સ જો શક્ય હોય તો.
કોઈપણ સંબંધિત ટ્રાન્ઝેક્શન વિગતો જો ભૂલથી પૈસા ચૂકવ્યા હોય તો.
તમારી અંગત વિગતો: નામ, સરનામું, સંપર્ક નંબર, ઈમેલ આઈડી.
નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર રેન્સમવેર / માલવેર હુમલાની ફરિયાદ કેવી રીતે નોંધાવવી? તબક્કાવાર માર્ગદર્શન ને અનુશરો.
તબક્કો ૧: પોર્ટલ પર જાઓ
સૌ પ્રથમ, તમારા બ્રાઉઝરમાં www.cybercrime.gov.in વેબસાઇટ ખોલો.
હોમપેજ પર તમને "File a Complaint" અથવા "शिकायत दर्ज करें" નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.
તબક્કો ૨: પોર્ટલ પરની શરતો સ્વીકારો અને આગળ વધો
ઉપયોગની શરતો Terms and Conditions વાંચો અને "I Accept" હું સ્વીકારું છું પર ક્લિક કરીને "Submit" અથવા "Proceed" કરો.
તબક્કો ૩: તમારી ફરિયાદનો પ્રકાર પસંદ કરો
હવે તમને "Report Cyber Crime" અને "Report Other Cyber Crime" વિકલ્પો દેખાશે.
રેન્સમવેર / માલવેર હુમલા માટે "Report Cyber Crime" પર ક્લિક કરો.
તબક્કો ૪: નાગરિક લોગિન Citizen Login
જો તમે પહેલીવાર ફરિયાદ કરી રહ્યા છો, તો "New User? Click Here to Register" પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરો.
તમારું રાજ્ય, યુઝરનેમ (સામાન્ય રીતે મોબાઈલ નંબર), ઈમેલ આઈડી દાખલ કરો.
મોબાઈલ પર આવેલો OTP દાખલ કરીને રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
હવે તમારા મોબાઈલ નંબર અને OTP/પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
જો તમે પહેલાથી રજીસ્ટર થયેલા છો, તો સીધા લોગિન કરો.
તબક્કો ૫: તમારી સાથે બનેલ ઘટનાની વિગતો દાખલ કરો (Incident Details)
લોગિન કર્યા પછી, "Incident Details" ફોર્મમાં નીચે મુજબની વિગતો ભરો:
"Category of Complaint": અહીં "Malware/Virus" અથવા "Ransomware" સંબંધિત વિકલ્પ પસંદ કરો.
"Date and Time of Incident": હુમલો કઈ તારીખે અને કયા સમયે થયો તે દાખલ કરો.
"Platform/Device Used for Crime": કયા ડિવાઈસ પર હુમલો થયો જેમ કે Desktop, Laptop, Mobile Phone, Server.
"Source of Infection": જો તમને ખબર હોય કે માલવેર ક્યાંથી આવ્યું દા.ત., Email Attachment, Malicious Link, Pirated Software.
"Type of Data Affected": કયા પ્રકારનો ડેટા અસરગ્રસ્ત થયો જેમ કે Photos, Documents, Videos, System Files.
"Ransom Details" જો લાગુ પડતું હોય: ખંડણીની રકમ, ક્રિપ્ટોકરન્સી વોલેટ એડ્રેસ, ખંડણી માંગનારનો ઈમેઈલ આઈડી.
"Brief description of incident": ઘટનાનું ટૂંકું અને સ્પષ્ટ વર્ણન કરો. કેવી રીતે હુમલો થયો, શું સંકેતો મળ્યા, અને શું નુકસાન થયું તેની વિગતો આપો.
બધી વિગતો ભર્યા પછી, "Save and Next" પર ક્લિક કરો.
તબક્કો ૬: શંકાસ્પદ વ્યક્તિની વિગતો Suspect Details- જો હોય તો
જો તમારી પાસે ગુનો કરનાર વ્યક્તિ કે સ્રોત વિશે કોઈ વિગત હોય જેમ કે ઈમેઈલ આઈડી, વેબસાઈટ, તો તે અહીં દાખલ કરો. જો ન હોય તો આ ભાગ છોડી શકો છો.
"Save and Next" પર ક્લિક કરો.
તબક્કો ૭: પીડિત કે ભોગ બનનારની વિગતો Victim Details.
આ વિભાગમાં તમારી અંગત વિગતો દાખલ કરો: પૂરું નામ, સરનામું, સંપર્ક માહિતી વગેરે.
"Save and Next" પર ક્લિક કરો.
તબક્કો ૮: પુરાવા અપલોડ કરો Upload Evidence.
આ સૌથી મહત્વપૂર્ણ સ્ટેપ છે. તમારી પાસે જે પણ પુરાવા હોય, તે અહીં અપલોડ કરો:
રેન્સમવેર મેસેજનો સ્ક્રીનશોટ.
જે ઈમેઈલ કે લિંક દ્વારા હુમલો થયો તેનો સ્ક્રીનશોટ.
અસરગ્રસ્ત ફાઈલોના સ્ક્રીનશોટ.
સિસ્ટમ લોગ ફાઈલ્સ જો શક્ય હોય તો.
આ પુરાવા ભવિષ્યમાં તપાસ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે.
"Save and Next" પર ક્લિક કરો.
તબક્કો ૯: વિગતોની સમીક્ષા અને કન્ફર્મ કરો Review and Confirm.
તમે દાખલ કરેલી બધી વિગતોની ફરી એકવાર સમીક્ષા કરો.
બધી માહિતી સાચી હોય તો "Confirm & Submit" પર ક્લિક કરો.
તબક્કો ૧૦: ફરિયાદ સબમિટ અને Acknowledgment નંબર મેળવો
ફરિયાદ સફળતાપૂર્વક સબમિટ થયા પછી, તમને એક Acknowledgment Number ફરિયાદ નંબર મળશે.
આ નંબરને સાચવીને રાખો. તમે આ નંબરનો ઉપયોગ કરીને તમારી ફરિયાદનો સ્ટેટસ ચેક કરી શકો છો.
તમને તમારી ફરિયાદની PDF કોપી ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ મળશે. તેને પણ સાચવી રાખો. અનેતેની એક પ્રિન્ટ કરાવી લેવી.
ખાસ યાદ રાખો, સાયબર અપરાધીઓ હંમેશા નવા રસ્તાઓ શોધતા રહે છે. તમારી જાગૃતિ અને સાવચેતી જ તમને આવા હુમલાઓથી બચાવી શકે છે. જો તમે રેન્સમવેર કે માલવેર હુમલાનો ભોગ બનો છો, તો હિચકિચાશો નહીં, તરત જ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ કરો અથવા હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફોન કરો. લોકો સુધી આ માહિતી શેર કરવી.
#રેન્સમવેર #માલવેર #સાયબરક્રાઈમ #ડેટાહાઈજેક #સુરક્ષિતરહો #Ransomware #Malware #CyberSafety #DataSafety

સંબંધિત પોસ્ટ

